
પ્રત્યેક સાહિત્યકારને કેટલાક ખાસ વાચકો ગમી જાય છે અને વળી કેટલાક સુજ્ઞ વાચકો વધારે ગમી જાય છે. પારસ શિક્ષક તરીકે અને વાચક તરીકે મને સ્વજન જેવો વહાલો લાગે છે. નિશાળો એક જ કામ કરે છે અને તે છે, બાળકોનું વિસ્મય ઘડવાનું! જે શિક્ષક કેવળ ભણાવે જ છે, તે બાળકોનો બોજ વધારે છે કોઈ માતા બાળકને ઉછેરતી વખતે વેઠ નથી ઉતારતી.
માતૃત્વ અને શિક્ષકત્વ વચ્ચે સુમેળ ૨ચાય ત્યારે માસ્તર ખરેખર માસ્ટર બની જાય છે. એ માસ્ટર પારસને હું ઓળખું છું. ઘણા વર્ષો પહેલા રુસોએ કહેલું : ‘બિચારા માસ્તરો ! તેઓ શું ભણાવે ? શબ્દો, શબ્દો અને શબ્દો ! પારશભાઈનું આ પુસ્તક પ્રત્યેક શિક્ષકને માસ્ટર બનાવે તેવું વિચારયુક્ત છે અને લેખનશૈલી રસાળ અને રોચક છે. ગુજરાતના શિક્ષકોને આ પુસ્તક ગમી જશે, તે અંગે મારા મનમાં કોઈ શંકા નથી.
– ગુણવંત શાહ